વિવિધ

સાહિત્ય – વિનોબા ભાવે

સાહિત્યમાં લખાયેલી બધી બાબતો કેવળ વાચકોને જ લાગુ પડે છે તેવું નથી, સાહિત્યકારોને પણ એટલી જ લાગુ પડતી હોય છે. આજે પ્રસ્તુત છે સાહિત્યકારોને ઉપયોગી એવી કેટલીક જરૂરી બાબતો વિશેની સુંદર માહિતી ‘સાહિત્ય’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સાહિત્યકારો પાસેની અપેક્ષા ક્યારે પૂરી થાય ?

આધુનિક સાહિત્યનો ધીરે ધીરે વિકાસ થઈ રહ્યો છે, પરંતુ સાહિત્ય પાસેથી જે અપેક્ષા હોય તે પૂરી નથી થતી, એમ મારું માનવું છે. તેનાં કારણો તો અનેક છે, પણ તેમાં કેટલાંક મુખ્ય કારણો મને લાગ્યાં છે, તે જણાવું છું.

એક કારણ તો એ છે કે આજે મોટા ભાગના માણસોને જીવન-સંઘર્ષ (સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ) માં ટકી રહેવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, અને સાહિત્યકારોને પણ તેમાં ઘણી બધી શક્તિ ખર્ચવી પડે છે. પરિણામે, ઘણા લાચારીપૂર્વક એવાં કામ શોધી લે છે અને કરે છે, જે કામો સ્વાભાવિકપણે સાહિત્યકારોની પ્રતિભા માટે અનુકૂળ નથી હોતાં. પછી એવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પડવા છતાં થોડીક બચી ગયેલી સાહિત્યની પ્રતિભાનો તેઓ લેખન-કાર્યમાં ઉપયોગ કરી લે છે. આમ, આજની પરિસ્થિતિ એક બહુ મોટું કારણ છે.

બીજી વાત એ કે જમાનો ક્યાં જઈ રહ્યો છે, ક્યાં જવો જોઈએ, તેનું કોઈ ખાસ ભાન હોય, એવું મોટા ભાગના સાહિત્યકારોમાં આજે દેખાતું નથી. તેઓ તો આનાથી ઊલટી દિશામાં જ જઈ રહ્યા હોય, એમ લાગે છે. પોતાની આસપાસ જે નાની-મોટી સમસ્યાઓ છે અને જે નાનાં-મોટાં સુખ-દુ:ખ દેખાય છે, તેમાં સાહિત્યકારો ગૂંચવાઈ જાય છે, અને તેને લીધે પેલી પારનું દર્શન એમને નથી થતું. એમનામાં કરુણા પણ હોય છે, પરંતુ તેનું ઊંડાણ બહુ ઓછું હોય છે. કેટલાક સાહિત્યકારો મજૂરોના પગાર વધે, તેટલામાં જ પોતાની કરુણા સમાપ્ત કરી લે છે. કેટલાકની કુટુંબનિયોજન જેવાં કામોમાં જ સમાપ્ત થઈ જાય છે. કવિ-હૃદય માટે કરુણા, સહાનુભૂતિ વગેરેની વૃત્તિ બહુ જ જરૂરી હોય છે, પરંતુ તે આટલામાં જ સીમિત થઈ જાય તો એનું ચિત્ત નાના કુંડાળામાં જ કેદ થઈ જાય છે, અને વ્યાપકપણે તેમ જ સમગ્રપણે વિચારી શકતું નથી.

ત્રીજી વાત હું એ જોઈ રહ્યો છું કે કુદરતનો જે સ્પર્શ જોઈએ – કુદરતના દર્શનનો અને કુદરતી જીવનનો – તે સાહિત્યકારોને આજે નથી થતો. એમને આ બેઉથી અળગા રહેવું પડે છે. તેને લીધે પ્રેરણાનો એક બહુ મોટો સ્ત્રોત કુંઠિત થઈ જાય છે.

ચોથી વાત એ કે ‘અમે નવાં મૂલ્યોની ખોજ કરી રહ્યા છીએ’ – એવા ખ્યાલમાં કેટલાક રહી જાય છે. ખરું જોતાં, સાચાં મૂલ્યો ન નવાં હોય છે ન જૂનાં, તેનું ભાન સાહિત્યકારોને હોવું જોઈએ, પણ એવું ભાન આજે રહ્યું નથી. પરિણામે, ઘણા સાહિત્યકારો નવાં મૂલ્યોને નામે શાશ્વત મૂલ્યોથી વંચિત રહી જાય છે, એવું આજે જોવા મળે છે.

પાંચમી વાત એ કે સાહિત્યકારનું હૃદય પ્રાણ-પુરુષ સાથે જોડાયેલું હોવું જોઈએ. જે હજારો વરસના અનુભવોથી સમૃદ્ધ છે, તેની સાથે હૃદય જોડાયેલું હોય અને બુદ્ધિ આધુનિક પ્રવાહ સાથે જોડાયેલી હોય, એ જરૂરી છે. આવી રીતે બેવડો સંપર્ક, અર્થાત બુદ્ધિ મારફત આધુનિક પ્રવાહ સાથે સંપર્ક અને હૃદય મારફત પુરાતન પ્રવાહ સાથે સંપર્ક સાધવો મુશ્કેલ બની જાય છે. તેથી એક બાજુ ઢળી જવાય છે. બુદ્ધિ અદ્યતન અને હૃદય પ્રાચીનતમથી સંપૃક્ત હોય, એ તો એક યોગ જ છે. આવો યોગ આજના સાહિત્યકારોને ઝાઝો સધાયો હોય, એમ લાગતું નથી. વળી, સાહિત્યકારનાં મન અને બુદ્ધિ બંનેનું સમાધાન થવું જોઈએ. પણ તે તરફ આજકાલ ધ્યાન નથી અપાતું. બલ્કે, અસમાધાનમાંથી જ સાહિત્ય નિર્માણ થશે, એવો ખ્યાલ આજે વ્યાપક બની રહ્યો છે. આ વસ્તુ પણ ઉત્તમ સાહિત્યના નિર્માણમાં બાધક સાબિત થઈ રહી છે.

મારું કહેવું છે કે આ બધું આજે સાહિત્યના વિકાસમાં અવરોધક બની રહ્યું છે. એટલે જ તો સમાજમાં સાહિત્ય અને સાહિત્યકારોનું મૂલ્ય આપણે ઈચ્છીએ એવું આજે રહ્યું નથી. સાહિત્યકાર જ્યાં-ત્યાં નોકરી શોધતા ફરે છે ! સાહિત્યકારની શક્તિ અસીમ છે, તે કાંઈ બજારમાં વેચાવી ન જોઈએ. ખરું જોતાં તો સાહિત્યની શક્તિ બજારને તોડનારી શક્તિ છે. સાહિત્યકારોનું એ કામ છે કે તેઓ આજના બજારને અને સમાજમાં પ્રસરી ગયેલી બજારૂ વૃત્તિને ખતમ કરે. આપણી સામે સવાલ તો એ છે કે માણસના કામની, કર્તવ્યની, સેવાની કિંમત પૈસામાં શી રીતે આંકી શકાય ?

આપણા વડા પ્રધાન દેશની સેવા કરે છે, તો એમને દેશ કાંઈક આપે છે. હવે ધારોકે તેઓ ટ્રેનમાં બેઠા છે અને ક્યાંક જઈ રહ્યા છે. રેલવે લાઈન ઉપર પેલો જે લીલો ને લાલ ઝંડી દેખાડનારો છે, તેણે ભૂલ કરી. પુલ તૂટી ગયેલો છતાં તેણે લાલ ઝંડી ન દેખાડી, તો અકસ્માત થાત તથા વડાપ્રધાન અને બીજા અનેક લોકો તેમાં મરી ગયા હોત. હવે કહો, એ નાનકડા ઝંડી દેખાડનારાનું કામ પણ એટલું જ મહત્વનું નથી ? આવી હાલતમાં અમુક કામની કે અમુક સેવાની કિંમત આટલી અને અમુકની આટલી, એ પૈસામાં કેવી રીતે નક્કી થાય છે, તે મારી સમજમાં જ નથી આવતું ! સેવા હોય છે નૈતિક અને કિંમત હોય છે ભૌતિક. સેવાનું મૂલ્ય પૈસામાં કઈ રીતે થઈ શકે ? એક શેરના તોલા કેટલા, તે તો કહી શકાય, પરંતુ એક માઈલના કેટલા તોલા થાય, તે કેમ કહી શકાય ? આવી રીતે સેવાની પૈસામાં કિંમત આંકવાનું શક્ય નથી. આવી બજારૂ વૃત્તિને જ ભૂંસવાનું કામ સાહિત્યે કરવાનું છે. સાહિત્યે બજારને તોડવાનું છે અને માનવીય સંબંધો બાંધવાના છે. એટલે સાહિત્યકાર પોતાની શક્તિ બજારમાં વેચશે નહીં.

પરંતુ આજે તો આપણે જોઈએ છીએ કે સાહિત્યકાર કોઈક ‘પેપર’ ના ‘એડિટર’ બની જાય છે, તગડો પગાર મેળવે છે, અને પછી તે પેપરની ‘પૉલિસી’ મુજબ લખતા રહે છે ! વિદ્યાના પ્રેમી કહેવાતા લક્ષ્મીની પાછળ દોડે છે. જો તેઓ સરસ્વતીની અનન્ય ઉપાસના કરતા હોત અને લક્ષ્મી તરફ નજર પણ ન નાખત, તો એમનું સાહિત્ય ઉજ્જવળ બનત. પણ આમની તો નજર જ લક્ષ્મી તરફ છે. એટલે પછી લક્ષ્મીવાનો એમને ખરીદી લે છે. સાચો સાહિત્યકાર જેમ લક્ષ્મીવાનોનો દાસ નહીં બને, તેમ રાજ્યનો આશ્રિત પણ નહીં બને. આજકાલ દિલ્હીમાં સાહિત્ય અકાદમી સ્થપાઈ છે. આપણા દેશમાં આ કોઈ નવી ચીજ નથી. સાહિત્યકારોને આદર આપવાની વાત પ્રાચીન કાળથી આપણે ત્યાં ચાલી આવી છે. અનેક રાજાઓ દ્વારા સાહિત્યકારોની કદર થઈ છે અને એમને મદદ મળી છે. પણ ભારતના સાહિત્યકારોએ એવી મદદની બહુ પરવા નથી કરી.

તેલુગુ ભક્ત કવિ પોતાનાનો દાખલો છે. આંધ્રમાં પોતનાનું ભાગવત ચાલે છે. એ એક ખેડૂત હતો. ખેતી કરતાં-કરતાં ભાગવત કથા, ભાગવતના સ્કંદ તેણે તેલુગુમાં લખ્યા. તેના એક મિત્રે કહ્યું, આ ગ્રંથ રાજાને અર્પણ કર, તો પ્રચાર પણ થશે અને મદદ પણ મળશે. તે આમ તો ગરીબ ખેડૂત હતો, પણ તેણે આ કબૂલ ન કર્યું. તેણે કહ્યું, ‘મેં ભગવાનની કથા ગાઈ છે, તે શું મનુષ્યને અર્પણ કરું ? અને એવા મનુષ્યને, જે દુનિયા પર સત્તા ચલાવે છે ? અને એ આશાએ કે કાંઈક મદદ મળે ? તો તો સરસ્વતીને પશ્ચાતાપ થશે કે તે મારી જીભે આવીને ક્યાં બેઠી ! આવી રીતે તેણે રાજાની મદદની પરવા ન કરી. રાજાએ આ સાંભળ્યું, ત્યારે તે નારાજ પણ થયો…. આવા તો ઘણા દાખલા મળશે, કે જેમણે રાજ્યાશ્રયની કશી પરવા ન કરી હોય. કવિ અને સાહિત્યકારો ક્યા આધાર પર જીવે છે ? જે આધારે આપણો દરેકનો શ્વાસઉચ્છવાસ ચાલે છે, તેના સિવાય બીજો ક્યો આધાર જોઈએ ? પરમેશ્વરનો આધાર જ આપણે માટે પૂરતો છે.

તમિલનાડુના માણિક્ય વાચકર પાંડ્યન રાજાના રાજ્યના પ્રધાનમંત્રી હતા. એમણે થોડા દિવસ ત્યાંનો તમાશો જોયો, પણ ત્યાંનું જીવન એમને નીરસ જણાયું, તેથી એ બધું છોડી તેઓ ગામેગામ ફરવા લાગ્યા. એમણે સુંદર ભજનો લખ્યાં. તમિલનાડુની જનતાને એમનું ઘેલું છે. આવા તો અનેક સત્પુરુષ, સાહિત્યકાર, કવિનાં નામ લઈ શકું. એમણે રાજા-મહારાજાઓના પુરસ્કારને બદલે જનતા જનાર્દનમાં રહેલ પરમેશ્વરના પુરસ્કારને જ ચઢિયાતો માન્યો. એ જ આધાર ઉપર આપણે ત્યાંના સાહિત્યકાર ને કવિ જીવ્યા અને લોકજીવન સાથે ઓતપ્રોત થઈ ગયા. જો તેઓ રાજ્યાશ્રય ઉપર જીવ્યા હોત, તો જ્યાં રાજા ગયા ત્યાં તેઓ પણ ચાલ્યા ગયા હોત ! આજે છે કોઈ રાજા લોક-જીભે ? રાજાઓ કેટલા આવ્યા અને કેટલા ગયા, કોઈ હિસાબ નથી ! હિંદુસ્તાન તો માત્ર એક જ રાજાને જાણે છે – રાજા રામ ! આપણે ત્યાં જોવા એમ જ મળે છે કે હિંદુસ્તાનના સાહિત્યકારો રાજ્યાશ્રયની પરવા કર્યા વિના ગરીબોમાં જઈને એમના જેવું જીવન જીવી લોકજીવન સાથે ઓતપ્રોત થઈ જવામાં પોતાનું સદભાગ્ય માનતા. ગરીબી એક ચીજ છે અને સ્વૈચ્છિક ગરીબી જુદી ચીજ છે. સ્વૈચ્છિક ગરીબી સ્વીકારીને જનતામાં હળી-ભળી ગયા એટલે જન-હૃદય ઉપર એમનો ઊંડો અને અમીટ પ્રભાવ છે.

હું તો કહીશ કે સાહિત્યકાર પોતે ખેતી કરશે, તો બહુ મોટું કામ થશે. ‘કુરલ’ તિરુવલ્લુવરની કૃતિ છે. તેમાં મેં એક સુંદર વાક્ય વાંચ્યું છે કે ‘જે ખેતી કરીને જીવે છે, તે જ જીવે છે.’ ખરું જોતાં, ‘કૃષ્ણ’ શબ્દ પણ કૃષિ ઉપરથી બન્યો છે. ‘કૃષ્ણ’માં ‘કૃષ’ ધાતુ છે. કૃષ એટલે ખેતી કરવી. હિંદુસ્તાનની આબોહવામાં ખેતી કરનારાનો રંગ કાળો થઈ જાય છે, એટલા માટે ‘કૃષ્ણ’નો અર્થ ‘કાળો’ થઈ ગયો. પણ મૂળ અર્થ છે ‘ખેતી કરનારો’ શુદ્ધ, સ્વચ્છ, નિર્મળ જીવન ખેતી કરનારાનું છે. હું તો ઈચ્છું કે કવિ કે સાહિત્યકાર પણ એકાદ એકર જમીન લઈને ખેતી કરે અને સૃષ્ટિ સાથે નાતો જોડે.

કવિને પ્રેરણા ક્યારે મળે છે ? માનવ-હૃદયની ઉન્નતિ, સામાજિક સમત્વ અને પ્રકૃતિ સાથે સંબંધ – આ ત્રણને લીધે કવિને પ્રેરણા મળે છે. જ્યારે માણસનું જીવન પ્રકૃતિ સાથે જોડાયેલું હોય છે, ત્યારે તે જીવન ઉન્નત થાય છે અને સમત્વ પણ સધાય છે.

.
[2] સાહિત્યની સાર્થકતા શેમાં છે ?

એક વાર મને થયું કે લાવ જોઉં કે ગામડાંના સર્વ સામાન્ય લોકોનાં ઘરોમાં છપાયેલું સાહિત્ય કયું-કયું જોવા મળે છે. મેં એક સર્વે કર્યો તો જોવા મળ્યું કે બધું મળીને પાંચ જાતનું સાહિત્ય ગામડાંનાં સર્વસામાન્ય ઘરોમાં વંચાતું હોય છે – (1) છાપું, (2) શાળામાં ઉપયોગી પુસ્તકો, (3) નવલકથા, નાટક, વાર્તાનાં પુસ્તકો (4) પોતાની ભાષામાં લખાયેલાં પૌરાણિક અને ધાર્મિક ગ્રંથો અને (5) આરોગ્ય વિષયક પુસ્તિકાઓ. આનો અર્થ એ થાય કે આપણે જો લોકોનાં દિલની ઉન્નતિ કરવા માગતા હોઈએ, તો ઉપરના પાંચ પ્રકારના સાહિત્યની ઉન્નતી કરવી જોઈએ.

આ સંદર્ભમાં વાત થતી હતી, ત્યારે એક મિત્રે મને કહ્યું : ‘મરાઠી ભાષા કેટલી ઊંચી ઊઠી શકે છે, તે જ્ઞાનદેવે બતાવ્યું, અને તે કેટલી નીચે પડી શકે છે, તે આજનાં આપણાં અખબારો બતાવી રહ્યાં છે !’ મુખ્યત્વે આવું છે, એમ સમજવાનું છે. પરંતુ આમાં દોષ કોનો છે ? કોઈ કહે છે તંત્રીઓનો, કોઈ કહે છે વાચકોનો, કોઈ કહે છે પૂંજીપતિઓનો. ગુનામાં ત્રણેય સામેલ છે, અને કમાણીનો સમાન હિસ્સો ત્રણેયને બરાબર મળવાનો છે. પરંતુ મારા મતે અપરાધીઓ આ ત્રણેય ભલે હોય, ખરો અપરાધી બીજો જ છે, અને એ જ આ પાપનો વાસ્તવિક ધણી છે. એ કોણ ? – સાહિત્યની પરિભાષા કરનારો ચટૂડિયો, લોલુપ અથવા રુચિભ્રષ્ટ સાહિત્યકાર.

‘વ્યર્થ વાદ-વિવાદનું શુરાતન, બીજાઓનો જીવ દુભાવવો ને એમને દઝાડવું, બળી-જળી કે ખૂંચે એવી વાતો કહેવી, ઉપહાસ કરવો, હાંસી ઉડાવવી, વ્યંગ કરવો, મર્મભેદી વચનો કહેવાં, આડું-અવળું સંભળાવવું, વક્રોક્તિ કરવી, કઠોરતા, દાવપેચ, આંટીઘૂંટી, સંદિગ્ધતા, કપટ, પ્રતારણા’ – જ્ઞાનદેવે આ બધા વાણીના અવગુણ બતાવ્યા છે. પરંતુ આપણા સાહિત્યકારો તો આવા અવગુણોને જ ‘વાગ્ભૂષા’ અથવા સાહિત્યની સજાવટ, સાહિત્યનું સૌંદર્ય માને છે ! રામદાસનું એક કથન છે – ‘નબળી તબિયતવાળાને વિનોદ ગમે છે.’ એક વાર આ કથનને લઈને કેટલાક સાહિત્યકારો રામદાસ ઉપર તૂટી પડ્યા. રામદાસના કથનના ભાવાર્થ ઉપર ધ્યાન આપીને તેમાંથી ઉચિત સાર ગ્રહણ કરી લેવાને બદલે તે લોકોએ એમ પ્રસ્થાપિત કરવા માગ્યું કે રામદાસ વિનોદનું જીવનમાં તેમજ સાહિત્યમાં જે સ્થાન છે, તે જ નહોતા સમજી શક્યા. ઉપહાસ, વ્યંગ, મર્મભેદ વગેરે પ્રત્યે જ્ઞાનદેવે અરુચિ દર્શાવી છે, તેનેય આપણા સાહિત્યકારો એમની સાહિત્યની પરિભાષા અનુસાર જ્ઞાનદેવના અજ્ઞાનનું જ દ્યોતક માનશે !

મૂળમાં વાત એ છે કે જ્ઞાનદેવ ને રામદાસને રાષ્ટ્ર-કલ્યાણની તડપન હતી, જ્યારે આપણા વિદ્વાનોને ચટપટી ભાષાની ફિકર હોય છે – પછી ભલે ને તેનાથી રાષ્ટ્ર-ઘાત કેમ ન થતો હોય ! બંને વચ્ચે આ મુખ્ય ભેદ છે. આપણી સાહિત્ય-નિષ્ઠા એવી છે કે સત્ય ભલે મરી જાય, પણ સાહિત્ય જીવતું રહે ! ‘હે પ્રભો, હજી સુધી મને પૂરેપૂરી અનુભૂતિ નથી થતી, તો શું મારા દેવ, હું કેવળ કવિ જ બનીને રહું ?’ – આવા શબ્દોમાં તુકારામે ઈશ્વર પાસે પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. પરંતુ આનો મર્મ આપણા સાહિત્યકારોને પલ્લે જ પડતો નથી. તેઓ તો માત્ર એટલું જ શોધ્યા કરે છે કે તુકારામનાં વચનોમાં કાવ્ય કેટલું છે અને ક્યાં સુધી સધાયું છે ! આપણી શાળા-કૉલેજોમાં સાહિત્યનું જે શિક્ષણ અપાય છે, તે પણ આ જ પરિપાટીએ અપાય છે.

એક નિબંધ મારા વાંચવામાં આવેલો. તેમાં લેખકે તુલસીદાસની શેક્સપિયર સાથે સરખામણી કરેલી અને કોનું સ્વભાવ-ચિત્રણ કઈ કક્ષાનું છે, તેની ચર્ચા કરેલી. સાહિત્યિક ચર્ચાની દષ્ટિએ તે ઠીક છે. પરંતુ જે તુલસીદાસનું રામચરિત માનસ હિન્દુસ્તાનના કરોડો લોકો માટે જીવનનું એક માર્ગદર્શક પુસ્તક બની ગયું છે, તેનું અધ્યયન ને મૂલ્યાંકન આપણે શું માત્ર સ્વભાવ-ચિત્રણ અને સાહિત્યની શૈલીની દષ્ટિએ જ કરીશું ? લોકજીવનના ઘડતરમાં તેનું કેટલું સ્થાન છે અને તે શા માટે છે, વગેરે બધો વિચાર પણ નહીં કરીએ ? કદાચ કેટલાકને મારા કથનમાં કંઈક અતિશયતા જણાશે, પણ મને ઘણી વાર એમ થઈ જાય છે કે આ શૈલી-ભક્તોએ રાષ્ટ્રના શીલની હત્યાનો ધંધો ચલાવ્યો છે !

શુકદેવનો એક શ્લોક છે, જેનો ભાવાર્થ છે કે, ‘જેનાથી જનતાનું ચિત્ત શુદ્ધ થાય છે, એ જ ઉત્તમ સાહિત્ય છે.’ જેઓ સાહિત્યકાર અને શાસ્ત્રકાર કહેવાય છે, અને જેમનો આજે આપણા ઉપર ખાસ્સો પ્રભાવ છે, તેઓ આ વ્યાખ્યા નથી સ્વીકારતા. એમણે તો શૃંગારથી લઈને બીભત્સ સુધી વિભિન્ન રસો માન્યા છે અને એમ નક્કી કર્યું છે કે સાહિત્ય એ જ છે, જેમાં આ રસો પ્રગટ થયા હોય. સાહિત્યની એમની આ વ્યાખ્યા સ્વીકારી લઈએ અને તેમાં કર્તવ્ય-શૂન્યતા જોડી દઈએ, તો પછી કોઈ પણ કહી શકશે કે આજનાં-છાપાં-અખબારોમાં જે જોવા મળે છે, તેના સિવાય બીજા ક્યા સાહિત્યનું નિર્માણ થઈ શકે ? આના સિવાય બીજી તમે અપેક્ષા જ શી રાખી શકો ?

સાહિત્ય-કળા વગેરે બધું જીવન સાથે ઓતપ્રોત હોવું જોઈએ. હું તો કહું છું કે જીવન સહિત, એ જ સાહિત્ય. સાહિત્ય જીવનની સાથે જ ચાલશે. જીવન એક બાજુ અને સાહિત્ય તેનાથી સાવ જુદી બાજુ, એવું થઈ ન શકે. જે જીવનની સહિત છે, એ જ સાહિત્ય છે. વળી, સાહિત્ય-કળા વગેરે બધું જીવનમાં આનંદ નિર્માણ કરે છે. તેમાંયે હું કહીશ કે સત, ચિત અને આનંદ ત્રણેય સાથે હોવાં જોઈએ. આનંદને આપને અલગ રાખીશું, તો જેમ કોઈ લાશ પડી હોય, એવું થશે. જ્યાં ચિત્ત નથી અને આનંદ નથી, ત્યાં તો ઝાડથી કપાયેલા ફળ જેવું થશે. તે ઝાડ સાથે જોડાયેલું હોય, તો તેને ઝાડમાંથી જીવન મળશે. એવી જ રીતે આનંદનો અનુભવ સત અને ચિત્તની સાથે જ આવશે, તેનાથી અળગા થઈને નહીં આવી શકે. માટે સાહિત્ય ને કળા સત-ચિત-આનંદ ત્રણેયને સાથે લઈને જ ચાલે. સાચો આનંદ પણ તેમાં જ છે.

આજકાલ જેને આનંદ કહે છે, તે સાચો આનંદ નથી. દિવસ આખો આપણે માણસને ફેક્ટરીમાં એવું કામ દઈએ જે બિલકુલ ‘ડ્રજરી’ – વેઠ હોય, જેમાં માણસની બધા પ્રકારની વૃત્તિ શુષ્ક બની જાય, અને પછી આવું કામ કરીને થાકેલો માણસ ઘરે આવે ત્યારે તેને સિનેમા, રમત-ગમત વગેરેથી આનંદ અપાવવાની કોશિશ કરીએ, તો હું કહીશ કે આ સાચો આનંદ નથી, સાચો આનંદ મેળવવાની આ રીત નથી. આ તો આનંદ મેળવ્યાનો ઢોંગ છે, ભ્રમ છે. તેથી હોવું તો એમ જોઈએ કે માણસ જે કામ કરતો હોય, તેમાં જ એને આનંદ મળી રહેવો જોઈએ. માણસને આનંદ ચોવીસે કલાક મળવો જોઈએ. આપણને જો આપણા કામમાં જ આનંદ મળી રહેતો હશે, તો પછી તે મેળવવા અલગ ફાંફાં મારવાં નહીં પડે. કામ જ આનંદપૂર્ણ હોવું જોઈએ. દરેક કામ માણસ આનંદપૂર્વક કરી શકે એવું હોવું જોઈએ. આનંદ જીવનની દરેક કૃતિમાં હોવો જોઈએ. કળા-સાહિત્યનો અર્થ જ એ છે કે તે સહુને આનંદ આપે છે.

બીજી એક વાત. ક્યો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનોયે ખ્યાલ રાખવો પડશે. જેમ સહુને આનંદ આપનારી જે કળા છે, એ જ સાચી કળા છે, તેમ જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જતો હોય, એ જ સાચો આનંદ છે. આમ, સાહિત્ય માણસને આવો સાચો આનંદ મેળવી આપે, સાહિત્ય લોકોનાં ચિત્તને શુદ્ધ કરે, સાહિત્ય લોકોનાં દિલને ઉન્નત કરે, સાહિત્ય સમાજને સંસ્કૃતિ તરફ આગળ વધારતું રહે. આમાં જ સાહિત્યની સાર્થકતા છે. [Cour. readgujarati.com]

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s