છઠ્ઠા પગારપંચને કેબિનેટની મંજૂરી

vs

બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં પ્રધાનમંડળની પેટાસમિતિએ પગારપંચ માટે કરેલી દરખાસ્ત ઉપર મંજૂરીની મહોર મારી છે.

પગારપંચ અંગેનો સત્તાવાર પરિપત્ર આગામી એક-બે દિવસમાં કરવામાં આવશે, સાથોસાથ પગાર વિસંગતતા અંગેની સમિતિની પણ જાહેરાત કરવામાં આવશે. પગારપંચનો લાભ રાજય સરકાર અને પંચાયતના આશરે સાડા ચાર લાખ કર્મચારીઓને થશે. અલબત્ત બોર્ડ-નિગમ અને મહાનગરપાલિકાના કર્મચારીઓનો આમાં સમાવેશ થતો નથી.

રાજયના આરોગ્યપ્રધાન અને પ્રવકતા જયનારાયણ વ્યાસે કેબિનેટે સ્વીકાર કરેલી પગારપંચની ભલામણો અંગે જણાવ્યું કે, કર્મચારી મંડળો સાથે થયેલા સમાધાનને પગલે રાજયની કેબિનેટ સમક્ષ પ્રધાનમંડળની પેટાસમિતિએ રજૂ કરેલી દરખાસ્તોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કેબિનેટની મંજૂરીને પગલે આગામી ટૂંક સમયમાં આ અંગેનો સત્તાવાર પરિપત્ર પ્રસદ્ધિ કરવામાં આવશે. કર્મચારીઓના એરિયર્સનો પહેલો હપ્તો ૩૧ માર્ચ ૨૦૧૦ પહેલાં તેમના પી.એફ.માં જમા થશે.

પગાર વિસંગતતા અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આ માટે એક સમિતિની તાત્કાલિક રચના કરવામાં આવશે. બોર્ડ-નિગમની અને મહાનગરપાલિકાના કર્મચારીઓ સરકારના કર્મચારીઓ નથી પણ તેમનું અલગ તંત્ર છે. બોર્ડ-નિગમ અને મહાપાલિકાના કર્મચારીઓને પગારપંચનો લાભ આપવો કે નહીં તેનો નિર્ણય સંબંધિત બોડી લેતી હોય છે. સરકાર પાસે તેની સત્તા નથી અને સરકાર માથું મારવા માગતી નથી. રાજય સરકારની ભૂમિકા માત્ર મંજૂરી આપવાની હોય છે.

દરમિયાન યુનાઇટેડ ફોરમના આગેવાનો મનુભાઈ પટેલ, ટી.એમ. પાટણવાડિયા, યોગેન સેવક, હરેશ કોઠારી અને આર.પી. સુતરિયા જયારે કર્મચારી સંકલન સમિતિના આગેવાનો વિવેક કાપડિયા, વિષ્ણુભાઈ પટેલ, મનોજ મેઉવા, અબ્દુલભાઈ ચૌહાણ વગેરેએ સરકારના નિર્ણયને આવકારતાં કેન્દ્રના ધોરણે હાયર સ્કેલ, શિક્ષણભથ્થું અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સનો લાભ રાજયના કર્મચારીઓને સત્વરે આપવો જોઈએ તેવી લાગણી વ્યકત કરી છે. કર્મચારી મંડળોના આગેવાનોએ રાજયના વિકાસમાં અને રાજયની આવકમાં વધારો કરવાના પ્રયાસોમાં લાગી જવા કર્મચારીઆલમને અનુરોધ કર્યોછે.

પગારપંચની વાટાઘાટો ટાણે ગરીબ સરકાર હવે સઘ્ધર

રાજયની આર્થિક સ્થિતિ નબળી છે કે સઘ્ધર એ અંગે રાજય સરકારના જ પ્રધાનોના વિરોધાભાસી નિવેદનો ચર્ચાનો વિષય બન્યાં છે. પગારપંચના અમલ માટે નિયુકત પ્રધાનમંડળની પેટાસમિતિના એક સભ્ય એવા ગૃહરાજય પ્રધાન અમિત શાહ કર્મચારી આગેવાનો સાથેની વાટાઘાટમાં રાજયની આર્થિક સ્થિતિ કંગાળ હોવાનું વર્ણન કરતા હતા તો કેબિનેટની બેઠકમાં પગારપંચને લીલીઝંડી આપ્યા પછી સરકારના પ્રવકતા જયનારાયણ વ્યાસ રાજય આર્થિક રીતે સક્ષમ હોવાથી ૯૭૦૦ કરોડનો બોજો ઉઠાવી રહી હોવાનો દાવો કરી રહ્યા છે.

બે પ્રધાનોના વિરોધાભાસી નિવેદનો વચ્ચે આશ્ચર્યજનક બાબત એ છે કે, રાજયની આર્થિક સ્થિતિની સાચી જાણકારી ધરાવતા રાજય કક્ષાના નાણાપ્રધાન સૌરભ પટેલ ચુપકીદી સેવી રહ્યા છે.

પગારપંચની ભલામણો

>>>>એરિયર્સનો પહેલો હપતો ૩૧ માર્ચ ૨૦૧૦ પહેલાં પી.એફ.માં જમા થશે 
>>>>તા. ૧-૪-૨૦૦૯થી ‘સ્કેલ ટુ સ્કેલ’ (પે બેન્ડ સહિત) પગાર-ભથ્થાં રોકડમાં
>>>>પગાર†મોંઘવારી ભથ્થાંની રકમ તા. ૧-૧-૨૦૦૬થી તા. ૩૧-૩-૨૦૦૯ સુધીનું એરિયર્સ ચૂકવાશે.
>>>>તા. ૧-૧-’૦૬થી તા. ૩૧-૩-’૦૯ના પગાર†મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ દર વર્ષે, ૨૦ ટકા લેખે, પાંચ હપતામાં સામાન્ય ભવિષ્યનિધિમાં જમા કરાશે. જે પાંચ વર્ષનાં ‘ લોક ઇન પિરીયડ’ બાદ ઉપાડી શકાશે.
>>>>પેન્શનરો તા. ૧-૪-૨૦૦૯થી સુધારેલી પેન્શનની રકમ રોકડમાં મળશે. તા. ૧-૧-૨૦૦૬થી તા. ૩૧-૩-૨૦૦૯ સુધીના સુધારેલા પેન્શનના તફાવતની રકમ, દર વર્ષે ૨૦ ટકા લેખે રોકડમાં ચૂકવાશે.
>>>>વાહનભથ્થું યથાવત્, શિક્ષણ ભથ્થું વર્તમાન નીતિ આધારિત રહેશે. [ Cou. divyabhaskar ]